Thursday, June 17, 2021

કાલુપુર ફ્રૂટમાર્કેટમાં ખંડણીખોરોનો આતંક, ચપ્પા વડે હુમલો કરી પથ્થરમારો કરાય

અમદાવાદ,

શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં ખંડણી ઉઘરાવી આતંક ફેલાવનાર કુખ્યાત અબ્દુલ સમદ ઉર્ફે જુમ્મા અબ્દુલ લતીફ ફરી સક્રિય થયો છે. પાસા કાપીને આવેલા અબ્દુલ સમદે આજે વહેલી સવારે પોતાની દાદાગીરીનો પરચો બતાવીને સાત વેપારીઓ પાસે હપ્તો માગીને ચપ્પા વડે હુમલો કરવાની કોશિશ કરી અને લોકો પર પથ્થરમારો કરીને શાંતિનો માહોલ ડહોળવાની કોશિશ કરી હતી.

રાહદારીઓએ તેને પકડીને ઢોર માર માર્યો હતો, જ્યાંથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અબ્દુલ સમદનો આતંક ફરી સક્રિય થતાં આજે ફ્રૂટ માર્કેટે બંધ પાળ્યો હતો. કાલુપુર વિસ્તારમાં ફ્રૂટ માર્કેટ આવેલ છે, જેમાં ૧પ૦ કરતાં વધુ નાના- મોટા વેપારીઓ ફ્રૂટનો વેપાર કરે છે. ફ્રૂટ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી અબ્દુલ સમદ ઉર્ફે જુમ્મા અબ્દુલ લતીફ શેખ (રહે. રમજાની ધોબીની ચાલી, દરિયાપુર) વેપારીઓ પાસે હપ્તાના નામે ખંડણી ઉઘરાવવાનું કામ કરે છે.

પોલીસે તેને તડીપાર કર્યો હતો અને પાસામાં મોકલી આપ્યો હતો. બે-ત્રણ દિવસ પહેલાં સમદ પાસામાંથી છૂટીને બહાર આવતાં વેપારીઓને હેરાન-પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે સાત ફ્રૂટના વેપારીને સમદે ધમકી આપી હતી અને દરેક વેપારીએ ધંધો કરવા માટે દસ હજાર રૂપિયાનો હપ્તો મહિને આપવો પડશે. વેપારીઓએ હપ્તો આપવાની ના પાડતાં સમદે તેની પાસે રહેલ ચપ્પુ કાઢ્યું હતું અને વેપારીઓ પર હુલાવવાનું શરૂ કરી દીધું હતું. સમદે ચપ્પુ હુલાવતાં કોઇ વેપારીને ઇજા પહોંચી નથી, પરંતુ આ ઘટના જોઇને અન્ય વેપારીઓ ભેગા થઇ ગયા હતા.

Tags: ,

0 Comments

Leave a Comment