Thursday, June 17, 2021

મોદી સરકાર મર્દાનગી બતાવી ચિદમ્બરમને જેલમાં નાંખશે ખરા..!!

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સીબીઆઇના ભવાડાના કારણે બરાબરની ભેરવાઈ છે ને કોંગ્રેસ તેનો લાભ લેવા મચી પડી છે ત્યાં ગુરૂવારે કેન્દ્ર સરકારે વળતો પ્રહાર કરીને કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમને ભેરવી દીધા. કેન્દ્ર સરકારના તાબા હેઠળની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ગુરૂવારે એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યું ને તેમાં એક આરોપી તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમનું નામ પણ છે. આરોપીઓમાં મેક્સિસ ગ્રુપની કંપનીઓ પણ છે ને ચિદમ્બરમ સિવાય બીજા ચાર લોકોનાં પણ આરોપી તરીકે નામ છે. જોકે બીજાં કોઈને લોકો ઓળખતાં નથી તેથી તેમનો ઉલ્લેખ કરવાનો પણ અર્થ નથી. સીબીઆઈના સ્પેશિયલ જજ આજે એટલે કે શુક્રવારે આ આરોપનામું બરાબર છે કે નહીં એ નક્કી કરવાના છે. જજ સાહેબને લાગે કે, ચિદમ્બરમનું નામ આરોપનામામાં મુકાયું એ બરાબર છે

તો ચિદમ્બરમ સામે કેસ ચાલી શકે ને તેમણે જેલમાં જવાનો વારો પણ આવી જાય. જજ સાહેબને લાગે કે, આ આરોપનામામાં દમ નથી તો તેનો ડૂચો થઈ જાય ને ચિદમ્બરમ આજે જ છૂટી જાય એવું પણ બને. ચિદમ્બરમ છૂટી જાય તો સવાલ જ નથી પણ તેમની સામેનું આરોપનામું માન્ય રહે તો એ બહુ મોટી ઘટના બનશે ને કોંગ્રેસની બકરી ડબ્બામાં આવી જશે. સામે ભાજપને કોંગ્રેસની મેથી મારવા માટે મોટો મુદ્દો મળી જશે.

જજ સાહેબ જે કંઈ નક્કી કરશે એ વાજતુંગાજતું આજે આવવાનું જ છે તેથી તેની વાત કરવાનો અર્થ નથી પણ આ મામલે ચિદમ્બરમ ભેરવાવાના છે એ બહુ પહેલાંથી નક્કી હતું જ. એરસેલ-મેક્સિસ કેસમાં જે ગરબડ ગોટાળા થયા એ જોતાં ચિદમ્બરમનો વારો પડશે એ કેમ નક્કી હતું એ સમજવા આ આખો ડખો શું છે તે પહેલાં સમજવું જરૂરી છે. એરસેલ-મેક્સિસનો ડખો બારેક વરસ જૂનો છે. મેક્સિસ કમ્યુનિકેશન મૂળ મલયેશિયાની કંપની છે પણ તેના સ્થાપક ટી કૃષ્ણન નામના ભારતીય છે. માર્ચ ૨૦૦૬માં મેક્સિસ કમ્યુનિકેશને એરસેલમાં ૭૪ ટકા ભાગીદારી ખરીદી હતી. એરસેલ ભારતીય સી. શિવશંકરને સ્થાપેલી.

મેક્સિસે મેસર્સ ગ્લોબલ કમ્યુનિકેશન હોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડ નામની સબ્સિડરી કંપની બનાવેલી. આ કંપનીના માધ્યમથી મેક્સિસે એરસેલમાં ભાગીદારી કરેલી ને શેર ખરીદેલા. ચિદમ્બરમ એ વખતે મનમોહનસિંહ સરકારમાં નાણાં મંત્રી હતા. એ હિસાબે ચિદમ્બરમ પાસે રૂપિયા ૬૦૦ કરોડ સુધીના સીધા વિદેશી રોકાણને મંજૂરી આપવાની સત્તા હતી પણ ચિદમ્બરમે નિયમોની ઐસીતૈસી કરીને મેક્સિસના ૩૫૬૦ કરોડના રોકાણને મંજૂરી આપી દીધેલી. ચિદમ્બરમે ખરેખર તો આટલી મોટી રકમના રોકાણની વાત હતી તેથી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સને ભલામણ મોકલવાની જરૂર હતી પણ તેમણે બારોબાર ખેલ કરી નાંખ્યો. આ બધો ખેલ કાર્તિના ફાયદા માટે કરાયેલો, કેમ કે મેક્સિસને ચિદમ્બરમે ફાયદો કરાવેલો. તેના બદલામાં મેક્સિસે કાર્તિની કંપનીઓમાં રોકાણના નામે પૈસા ઠાલવેલા ને સરવાળે એ બધો હરામની કમાણીનો પૈસો ધોળો થઈ ગયો.

આ કેસમાં ચિદમ્બરમ અને તેમના સપૂત કાર્તિ ખરડાયેલા છે તેવું સૌથી પહેલાં સુબ્રમણ્યમ સ્વામીએ જાહેર કરેલું. સ્વામી એ વખતે ભાજપમાં નહોતા જોડાયા ને જનતા પાર્ટીના પ્રમુખ હતા. ૨૦૧૫માં સુબ્રમણ્યમ સ્વામીએ કાર્તિ ચિદમ્બરમની અલગ અલગ કંપનીઓની વચ્ચે નાણાકીય લેણદેણનો ભાંડો ફોડીને આક્ષેપ મૂકેલો કે, મનમોહનસિંહની સરકાર હતી એટલે કાર્તિ માટે મોસાળમાં જમણવાર ને મા પીરસે એવો ઘાટ હતો.

તેનો કાર્તિએ ભરપૂર લાભ લીધો ને વિદેશી રોકાણના નામે કરોડોની કાળી કમાણી ધોળી કરી નાંખેલી. ચિદમ્બરમ અને કાર્તિનું આ પાપ છાપરે ચડીને ના પોકાર્યું હોત પણ મારન બંધુઓ મલાઈ ખાવા કૂદ્યા તેમાં આખી વાત બહાર આવી. મે ૨૦૧૧માં એરસેલના સંસ્થાપક સી. શિવશંકરને સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી કે, તેમના પર પોતાના શેર મેક્સિસને વેચવાનું દબાણ થઈ રહ્યું છે. આ દબાણ મારન બંધુઓ કરતા હોવાનો આક્ષેપ પણ કરાયેલો.

એ વખતે ડીએમકે કોંગ્રેસ સરકારમાં ભાગીદાર હતી ને મારન બંધુઓનો ભારે દબદબો હતો. તેનો લાભ લઈને મારન બંધુઓ આ કંપની ઓળવી જવા માગે છે તેવા આક્ષેપો થયેલા. આ મામલે ભારે હોહા થઈ પછી ૫ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ સીબીઆઈએ મારન બંધુઓ દયાનિધિ અને કલાનિધિ મારન, મેક્સિસના માલિક ટી કૃષ્ણન અને અન્યની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. તેના કારણે દયાનિધિ મારને પ્રધાનપદ ગુમાવવું પડેલું. સીબીઆઈએ એ પછી દયાનિધિ મારનના ઘર પર રેડ કરેલી ને મારન બંધુઓ સામે કેસ શરૂ થયેલો.

વરસો લગી કેસ ચાલ્યા પછી ફેબ્રુઆરી ૨૦૧૭માં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે મારન સહિત બધાં આરોપીઓને તેમની સામેના આરોપોમાંથી મુક્ત કરી દીધેલા પણ કાર્તિ ને ચિદમ્બરમ સામેનો કેસ ઊભો જ હતો. માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે છ મહિનામાં તપાસનો સંકેલો કરીને ચાર્જશીટ દાખલ કરવા ફરમાન કરેલું તેથી સીબીઆઈ ને ઈડી બંને ધંધે લાગેલાં ને તેમણે થોડી મોડી પણ તપાસ પૂરી કરીને ચાર્જશીટ દાખલ કરી દીધું. આ કેસમાં ચિદમ્બરમનું શું થશે એ ખબર નથી પણ ચિદમ્બરમને જેલભેગા કરાય તેવી શક્યતા ઓછી છે.

આમ તો તેમનો દીકરો કાર્તિ પહેલાં આવા જ બીજા કાંડમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે પણ તેને અંદર કરતાં પણ મોદી સરકારને નવ નેજાં આવી ગયેલાં. કાર્તિ ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા કેસમાં ફેબ્રુઆરી મહિનામાં જેલની હવા ખાવી પડેલી. કાર્તિ ચિદમ્બરમ સામે ગયા વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ‘મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ’ હેઠળ કેસ નોંધેલો પણ તેને અંદર કરવામાં વરસ કાઢી નાંખેલું. ચિદમ્બરમ કોંગ્રેસના મોટા નેતા ગણાય છે તેથી તેમના દીકરા પર હાથ નાખવા જતાં બબાલ થઈ જશે એ ડરે સીબીઆઈ તેને હાથ નહોતી અડાડતી. સીબીઆઈ તેને સમન્સ ને એવું મોકલતી પણ કાર્તિ પોતાના બાપના કારણે તોરમાં હતો તેથી સીબીઆઈને ઘોળીને પી ગયેલો. સીબીઆઈ પોતાનું કશું તોડી શકવાની નથી એવા તોરમાં જ એ હતો એટલે વારંવારનાં સમન્સ છતાં હાજર નહોતો થતો.

એ વિદેશમાં ઉડાઉડ કર્યા કરતો પણ દિલ્હીમાં સીબીઆઈ સામે હાજર થવાનો તેને સમય નહોતો મળતો તેથી સરકારમાં બેઠેલા લોકો પણ અકળાયેલા. સીબીઆઈએ એવી પણ શંકા વ્યક્ત કરેલી કે, કાર્તિ દેશ છોડીને છૂ થઈ જશે ને વિદેશની બૅંકોમાં હરામની જે કમાણી જમા કરાવી છે એ બધી સગેવગે કરી નાંખશે તેથી એ ભાગી ના જાય એટલે તેની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરાયેલી ને તમામ એરપોર્ટને સાબદાં કરાયેલાં.

કાર્તિ પણ કાચો ખેલાડી નથી તેથી એ હાઈ કોર્ટમાંથી વિદેશ જવાની મંજૂરી લઈ આવેલો. આ મંજૂરીના આધારે એ ૧૬ ફેબ્રુઆરીએ પાછો વિદેશ ઊપડી ગયેલો. કાર્તિ તપાસમાં પહેલેથી સહકાર જ નહોતો આપતો ને તેમાં આ નવાં નાટક શરૂ કર્યાં તેથી સરકારે સીબીઆઈને ગાળિયો કસવા ફરમાન કર્યું ને તેના કારણે કાર્તિ જેવો લંડનથી ચેન્નઈ એરપોર્ટ પર ઊતર્યો કે તરત તેને ઉઠાવી લેવાયો હતા

Tags:

0 Comments

Leave a Comment