Thursday, June 17, 2021

શેલ્ટર હોમ કેસ : બિહાર સરકાર શું કરી રહી છું? : સુપ્રિમ કોર્ટે સરકારને ઝાટકી

ન્યુ દિલ્હી,

બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ દ્વારા ફાઈલ કરવામાં આવેલા સ્ટેટ્‌સ રિપોર્ટ પર ટીપ્પણી કરતા કહ્યુ છે કે આ બેહદ ડરામણું અને ભયજનક છે. બિહાર સરકાર શું કરી રહી છે? સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને અત્યંત પ્રભાવશાળી ગણાવ્યો છે.

બ્રજેશ ઠાકુર તપાસમાં અડચણ ઉભી કરી રહ્યો હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બ્રજેશ ઠાકુરને બહાર અન્ય કોઈ રાજ્યની જેલમાં શા માટે ટ્રાન્સફર કરવામાં આવે નહીં? આના સંદર્ભે બ્રજેશ ઠાકુરને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે થયેલા અત્યાચારે બિહારની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો. મુઝફ્ફરપુરના શેલ્ટર હોમમાં ૩૪ બાળકીઓ સાથે બળાત્કાર થયો છે. શેલ્ટર હોમમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશયલ સાઈન્સિસ-મુંબઈ દ્વારા કરાવાયેલા સર્વેક્ષણ બાદ રજૂ થયેલા રિપોર્ટના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ બાળકીઓ સાથે માત્ર બળાત્કાર જ થયો નથી.

પરંતુ અહીં કિશોરીઓ ગર્ભવતી પણ થઈ હતી. આ મામલામાં બ્રજેશ ઠાકુર આરોપી છે. આ મામલે નીતિશ કુમારની સરકારના પ્રધાન મંજૂ વર્માનું નામ સામે આવ્યા બાદ તેમને પ્રધાન પદેથી રાજીનામું આપવું પડયું હતું. કોર્ટે મંજૂ વર્માના પતિની ધરપકડ શા માટે થઈ નથી તેના સંદર્ભે પણ સવાલ કર્યો છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ. બ્રજેશ ઠાકુર સાથે મંજૂ વર્માના પતિની જાન્યુઆરીથી લગભગ ૧૭ વખત વાતચીત થઈ હતી.

Tags:

0 Comments

Leave a Comment